CVOCA જ્ઞાન ગંગા – ૨૪

વ્યક્તિગત કરદાતાઓ દ્વારા કરાતી TDS ની ચુકવણી

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે TDS ફક્ત વ્યવસાય કરતા કરદાતાઓનેજ લાગુ પડે છે. પરંતુ વાસ્તવમાં, વ્યક્તિગત કરદાતા (જેમને ટેક્સ ઓડિટ લાગુ નથી એવા કરદાતા), તેઓને પણ આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ની કલમ 194-IA, 194-IB, 194M હેઠળ અમુક ચોક્કસ ચુકવણીઓ પર TDSની કપાત તેમજ પેમેન્ટ કરવા માટે આવરી લેવામાં આવ્યા છે.

આ પ્રકાશનમાં કલમ ૧૯૪-IA ને આવરી લેવામાં આવી છે. કોઈપણ વ્યક્તિ જો અન્ય રેસિડેન્ટ વ્યક્તિ ને સ્થાવર મિલકત ની ખરીદી માટે ચુકવણી કરે તો તેના પર કલમ 194-IA અંતર્ગત TDS લાગુ થાય છે. અગર કોઈ નોન-રેસિડેન્ટ વ્યક્તિ ને ચુકવણી થાય તો તેના પર નું TDS કલમ 195 અંતર્ગત લાગુ થાય છે.

તો ચાલો સમજીયે કલમ ૧૯૪-IA ને અને તેના લગતા પ્રશ્નોના ઉકેલ આપવાનો પ્રયાસ કરીયે:

કલમ 194-IA: મિલકતની ખરીદી પર TDS

પ્રશ્ન ૧. કલમ 194-IA હેઠળ TDS ની કપાત કરવાની જવાબદારી કોની છે?

જવાબ: કોઈપણ વ્યક્તિ કે જેણે સ્થાવર મિલકત (જેમ કે ઘર, વાણિજ્યિક મકાન અથવા જમીનનો પ્લોટ) ખરીદવા માટે અન્ય રેસિડેન્ટ વ્યક્તિને (વેચનારને) ચુકવણી કરી હોય, તે ખરીદી કરનાર વ્યક્તિની જવાબદારી છે.

પ્રશ્ન ૨. શું કલમ 194-IA બધીજ પ્રકારની ચૂકવણીઓ પર લાગુ પડે છે?

જવાબ: આ કલમ ફક્ત ત્યારે જ લાગુ પડે છે જ્યારે ટ્રાન્સફર કરવામાં (વેચવામાં) આવતી સ્થાવર મિલકત (જે ખેતીની જમીન નથી) નું કુલ મૂલ્ય / સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્ય ₹50 લાખ કે તેથી વધુ હોય. આ કુલ મૂલ્યમાં મિલકતની વેચાણ કિંમતની સાથે ક્લબની સભ્યપદ ફી, કાર પાર્કિંગ ફી, વીજળી અથવા પાણીની સુવિધાની ફી, જાળવણી ફી અને એડવાન્સ ફી જેવા અન્ય સંબંધિત શુલ્કનો પણ સમાવેશ થાય છે.

પ્રશ્ન ૩. ભારતીય આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ મુજબ ખેતીલાયક જમીન કોને કહેવાય છે?

ઉત્તર: ખેતીલાયક જમીન એટલે એવી જમીન જે ભારતમાં આવેલી છે, જેનો ઉપયોગ ખેતીલાયક હેતુઓ માટે થાય છે, અને જે નીચે જણાવેલ જગ્યાએ સ્થિત નથી:

a. ૧૦,૦૦૦ થી ઓછીની વસ્તી ન હોય તેવી મ્યુનિસિપાલિટી અથવા કેન્ટોનમેન્ટ બોર્ડના અધિકારક્ષેત્રમાં, અથવા

b. નીચે આપેલા મુજબ આવી મ્યુનિસિપાલિટી અથવા કેન્ટોનમેન્ટ બોર્ડથી નિર્દિષ્ટ અંતર (હવાઈ ​​રીતે

માપેલ)ની અંદર:

મ્યુનિસિપાલિટી / કેન્ટોનમેન્ટ બોર્ડની વસ્તી મ્યુનિસિપાલિટીની હદથી હવાઈ અંતર જમીનની પ્રકૃતિ
૧૦ હજારથી વધુ પણ ૧ લાખ સુધીની વસ્તી ૨ કિ.મી.ની અંદર બિન-ખેતી જમીન
૧ લાખથી વધુ પણ ૧૦ લાખ સુધીની વસ્તી ૬ કિ.મી.ની અંદર બિન-ખેતી જમીન
૧૦ લાખથી વધુની વસ્તી ૮ કિ.મી.ની અંદર બિન-ખેતી જમીન
કોઈપણ વસ્તી (પરંતુ આ અંતરથી આગળ) નિર્દિષ્ટ મર્યાદાની બહાર ખેતી જમીન
પ્રશ્ન ૪. શું સંયુક્ત ખરીદદારો/વેચાણકર્તાઓના કિસ્સામાં ₹50 લાખની મર્યાદા પ્રતિ વ્યક્તિ છે કે તે બધી વ્યક્તિઓની મળીને છે?

જવાબ: ₹50 લાખની મર્યાદા સ્થાવર મિલકતના કુલ વેચાણ કિંમત પર લાગુ પડે છે. જો એક થી વધુ ખરીદદારો અથવા વેચાણકર્તાઓ હોય અને તેમના વ્યક્તિગત શેર ₹50 લાખથી ઓછા હોય, તો પણ જો મિલકતની કુલ વેચાણ કિંમત ₹50 લાખ કે તેથી વધુ હોય તો TDS લાગુ પડે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ મિલકત બે વેચાણકર્તાઓ દ્વારા ₹90 લાખમાં વેચવામાં આવે છે, તો પણ દરેક વેચનારનો હિસ્સો ₹45 લાખ (₹50 લાખથી નીચે) હોય, તો પણ કુલ વેચાણ કિંમત પર TDS લાગુ પડશે.

નોંધ:- કલમ 194-IA હેઠળ, જો મિલકતની સ્ટેમ્પ ડ્યુટી રેકનર કિંમત વેચાણ ના કરારની કિંમત કરતાં વધી જાય, તો સ્ટેમ્પ ડ્યુટી રેકનર કિંમત (કે જે વધારે છે) તેના પર TDSની કપાત કરવી પડશે.

પ્રશ્ન ૫. કલમ 194-IA હેઠળ TDSનો દર શું છે?

જવાબ: કલમ 194-IA હેઠળ TDS દર કુલ વેચાણ કિંમતના ૧% છે. જો TDS નોન-રેસિડેન્ટ વ્યકતિ ને થતી ચુકવણી પર કરવું હોય તો કલમ 195 હેઠળ TDS દર કુલ વેચાણ કિંમત ના ૧૨.૫% + સરચાર્જ + સેસ છે.

પ્રશ્ન ૬. વ્યક્તિએ TDS ની કપાત ક્યારે કરવી જોઈએ?

જવાબ. તમારે નીચેનામાંથી જે પહેલા થાય ત્યારે TDS કાપવાની જરૂર છે:

  • જ્યારે તમે વેચનારને પૈસા ચૂકવો છો (પછી ભલે ચેકમાં હોય, ડ્રાફ્ટમાં હોય કે અન્ય કોઈ રીતે હોય), અથવા
  • જ્યારે તમે વેચનારના ખાતામાં રકમ જમા કરો છો (એટલે કે, જ્યારે તમે ચુકવણીને તમારા ખાતામાં બાકી તરીકે દર્શાવો છો).
પ્રશ્ન ૭. શું કલમ 194-IA હેઠળ TDS કાપવા માટે TAN (ટેક્સ ડિડક્શન એન્ડ કલેક્શન એકાઉન્ટ નંબર) હોવું જરૂરી છે?

જવાબ: ના, કલમ 194-IA હેઠળ TDS કાપનારા એટલે કે ખરીદદારને TAN લેવાની જરૂર નથી. તમે તમારા PANનો ઉપયોગ કરીને TDS જમા કરાવી શકો છો.

પણ જો TDS નોન-રેસિડેન્ટ વ્યકતિ ને થતી ચુકવણી પર કરવું હોય તો કલમ 195 હેઠળ ખરીદનારે TAN લેવું જરૂરિયાત છે.

પ્રશ્ન ૮. કોઈ વ્યક્તિ કલમ 194-IA ના TDSનું પેમેન્ટ કેવી રીતે કરી શકે છે?

જવાબ: કલમ 194-IA અંતર્ગત ફોર્મ 26QBનો કે જે એક "ચલણ-કમ-સ્ટેટમેન્ટ" છે તેનો ઉપયોગ કરીને TDSનું પેમેન્ટ કરી શકો છો. સામાન્ય રીતે આવકવેરાની ઈ-ફાઇલિંગ પોર્ટલ દ્વારા ઓનલાઈન ભરી શકાય છે.

કલમ 195 અંતર્ગત TDS નું પેમેન્ટ online ચલણ 281 માં કરવું જરૂરી છે અને તેનું ત્રિમાસિક રીટર્ન Form 27Q માં ફાઈલ કરવું જરૂરી છે.

પ્રશ્ન ૯. TDS પેમેન્ટ કરવાની અંતિમ તારીખ શું છે?

જવાબ: કલમ 194-IA માટે જે મહિનામાં TDS કાપ્યો હોય તે મહિનાના અંતથી 30 દિવસની અંદર તમારે TDSનું પેમેન્ટ કરવાનું છે. ઉદાહરણ તરીકે, જો તમે જુલાઈમાં TDS કાપો છો, તો તમારે તેને 30 ઓગસ્ટ સુધીમાં જમા કરાવવો પડશે.

કલમ 195 માટે જે મહિનામાં TDS કાપ્યો હોય તે મહિનાના અંત થી 7 દિવસની અંદર તમારે TDS નું પેમેન્ટ કરવાનું છે. ઉદાહરણ તરીકે, જો તમે જુલાઈમાં TDS કાપો છો, તો તમારે તેને 7 ઓગસ્ટ સુધીમાં જમા કરાવવો પડશે.

પ્રશ્ન ૧૦. જો કોઈ વ્યક્તિ TDS કાપવામાં કે તેનું પેમેન્ટ કરવામાં નિષ્ફળ જાય તો શું?

જવાબ: જો તમે સમયસર TDS કાપવામાં અથવા તેનું પેમેન્ટ કરવામાં નિષ્ફળ જાઓ છો, તો તમારે વ્યાજ ચૂકવવું પડી શકે છે. જે TDS રકમ, કાપવામાં અથવા પેમેન્ટ કરવામાં આવી નથી તેના પર વ્યાજ દર 1% દર મહિને અથવા મહિનાના આંશિક ભાગ પર લાગે છે. વ્યાજ ઉપરાંત, ફોર્મ 26QB અથવા 27Q મોડું ફાઇલ કરવા પર કલમ 234E હેઠળ પ્રતિ દિવસ ₹200ની લેટ ફી અને નોન-ફાઇલિંગ અથવા ખોટી ફાઇલિંગ માટે કલમ 271H હેઠળ દંડ લાગી શકે છે.

પ્રશ્ન ૧૧. શું કોઈ વ્યક્તિએ મિલકત વેચનારને TDS નું કોઈ પ્રમાણપત્ર આપવાની જરૂર છે?

જવાબ: હા, સરકારને TDS નું પેમેન્ટ જમા કરાવ્યા પછી, તમારે (ખરીદનારે) TDS કપાતના પુરાવા તરીકે મિલકત વેચનારને ફોર્મ 16B માં TDS પ્રમાણપત્ર આપવાની જરૂર છે. આ પ્રમાણપત્ર સામાન્ય રીતે TDS જમા કરાવ્યાના લગભગ 10-15 દિવસ પછી TRACES પોર્ટલ પર ઉપલબ્ધ થાય છે.

****

આ પ્રકાશન દ્વારા જાગૃતિ લાવવાનો હેતુ છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા કૃપા કરીને તમારા CA અથવા નાણાંકીય સલાહકાર ની સલાહ લેશો.

TEAM CVOCA